મુખ્ય સામગ્રી પર જાઓ
2 જુલાઈ અને 4 જિલ્લાઃ હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
News18

2 જુલાઈ અને 4 જિલ્લાઃ હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. ચાલો જાણીએ હવામાન વિભાગે શું કહ્યું ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોવા છતાં અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં અને કચ્છના રાપરમાં નોંધાયો છે. ઉમરગામ અને રાપરમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, નર્મદા, મહિસાગર, વલસાડ, જૂનાગઢ, વાવ-થરાદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. એટલે કે ગુજરાતના 54 તાલુકામાં હજુ સુધી વરસાદ નોંધાયો જ નથી. એવામાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 72 કલાકથી ચોમાસું આગળ વધ્યું નથી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમું પડ્યું છે. ચોમાસું 3-4 દિવસમાં ગુજરાતના અન્ય વિસ્તારમાં આગળ વધી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે શનિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 28 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. 29 અને 30 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 1 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 જુલાઈએ 4 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 2 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આ દરમિયાન દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 1 જુલાઈએ 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.