
ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટઃ તારની ફેન્સીંગની સહાય હવે રૂ. 300 પ્રતિ મીટરના બદલે રૂ. 200
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેતરમાં ઊભા પાકને રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી બચાવવા માટેની 'કાંટાળી તારની વાડ (તાર ફેન્સિંગ) યોજના'ના નિયમોમાં ખેડૂતોના હિતમાં મોટા ફેરફાર કર્યા છે. હવેથી ખેડૂતોને તાર ફેન્સિંગ માટે મળતી આર્થિક સહાય 200 રૂપિયાથી વધારીને સીધી 300 રૂપિયા પ્રતિ મીટર કરી દેવામાં આવી છે. આ સાથે જ, નાના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે જમીનની લઘુત્તમ મર્યાદા 2 હેક્ટરથી ઘટાડીને માત્ર 1 હેક્ટર કરી દેવાઈ છે. મોંઘવારીને ધ્યાને રાખીને સરકારે વધારી સહાયની રકમ આ નવા નિયમો અને સુધારા વિશે વિગતવાર માહિતી આપતા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેડૂતોને ખેતરની ફરતે તારની વાડ કરવા માટે પ્રતિ રનિંગ મીટર રૂ. 200 અથવા કુલ ખર્ચના 50 ટકા (બેમાંથી જે ઓછું હોય તે) સહાય આપવામાં આવતી હતી. જોકે, વર્તમાન સમયમાં બજારમાં લોખંડના માલસામાન અને મજૂરીના ભાવ વધી જતાં ખેડૂતોનો વાસ્તવિક ખર્ચ ઘણો વધી જતો હતો. ખેડૂતો પર પડતો આ વધારાનો આર્થિક બોજો ઓછો કરવાના ઉદ્દેશ્યથી સરકારે સહાયની રકમ વધારીને રૂ. 300 પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના 50 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. ચોમાસાની વાવણી પહેલાં જ 1 લાખ અરજીઓ મંજૂર કરાશે કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારના 'આઈ-ખેડૂત' (i-Khedut) પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અંદાજે 1 લાખ જેટલા ખેડૂતોની અરજીઓ ઓનલાઈન મળી ચૂકી છે. રાજ્યના ખેડૂતો ચોમાસાની વાવણી અને ખેતીકામના મુખ્ય દિવસોમાં વ્યસ્ત થઈ જાય તે પહેલાં જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમોનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ વ્યાપક કામગીરીને સમયસર પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. 240 કરોડનું માતબર બજેટ પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે. જરૂર પડ્યે ફરીથી પોર્ટલ ખોલવાની અને બજેટ વધારવાની ખાતરી સામાન્ય રીતે આ યોજનામાં ફોર્મ ભરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ વર્ષમાં માત્ર એક જ વાર ખુલતું હોય છે, પરંતુ આ વર્ષે વધુમાં વધુ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકે તે માટે જરૂર પડ્યે બીજી વાર પણ પોર્ટલ ખોલવામાં આવશે. મંત્રીશ્રીએ એવી પણ મક્કમ ખાતરી આપી છે કે જો મંજૂર કરાયેલા રૂ.240 કરોડ ટૂંકા પડશે, તો સરકાર વધારાના ફંડ (બજેટ) ની વ્યવસ્થા કરીને પણ બાકી રહેલા તમામ ખેડૂતોની અરજીઓ સ્વીકારશે અને રાજ્યના તમામ લાયક ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડશે.