મુખ્ય સામગ્રી પર જાઓ
ખેડૂતો માટે ગુડ ન્યુઝ, હવે 'સનેડો' ખરીદવા મળશે રૂ. 75000 સુધીની સબસીડી, જાણો, કયા ખેડૂતોને થશે લાભ ?
Webdunia

ખેડૂતો માટે ગુડ ન્યુઝ, હવે 'સનેડો' ખરીદવા મળશે રૂ. 75000 સુધીની સબસીડી, જાણો, કયા ખેડૂતોને થશે લાભ ?

ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે વધુ સક્ષમ અને સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, સરકારે કિસાન પરિવહન યોજના 2026 અંતર્ગત ખેતીકામ માટે અત્યંત ઉપયોગી એવા 'સનેડો' (રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર) ની ખરીદી પર મળતી સબસિડીમાં ધરખમ વધારો કર્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને અગાઉ મળતી માત્ર 25,000 રૂપિયાની સહાયને સરકારે હવે વધારી દીધી છે. નાના ખેડૂતો અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ 'સનેડો' ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો ખેતીના અલગ-અલગ મલ્ટીપર્પઝ કામો તેમજ માલસામાનની હેરફેર માટે 'સનેડો' નામના આ થ્રી-વ્હીલર (ત્રિ-ચક્રી) કૃષિ વાહનનો મોટા પાયે ઉપયોગ કરે છે. આ વાહન ખેડૂતોનો પરિવહન ખર્ચ ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ખેડૂતોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે સહાયની રકમ સીધી બમણા કરતાં પણ વધુ કરી દીધી છે, જેથી ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનો બજાર સુધી ઝડપથી અને ઓછા ખર્ચે પહોંચાડવામાં મોટી મદદ મળશે. જાણો, હવે કયા ખેડૂતને કેટલી આર્થિક મદદ મળશે? સરકારના નવા નિયમો અનુસાર સનેડો ખરીદવા માટે સહાયનું ગણિત બે અલગ-અલગ વર્ગમાં ગોઠવવામાં આવ્યું છે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે સનેડો ખરીદવાના કુલ ખર્ચના 40 ટકા અથવા વધુમાં વધુ 60,000 રૂપિયા સુધીની સહાય મળશે. જ્યારે ખાસ વર્ગના ખેડૂતો જેવા કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા વધુમાં વધુ 75,000 રૂપિયાની મોટી સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટેની મુખ્ય નિયમો અને શરતો આ સરકારી સહાયનો લાભ સાચા અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી જ પહોંચે તે માટે સરકારે કેટલીક મહત્વની શરતો પણ રાખી છે. આ યોજના હેઠળ કોઈ પણ ખેડૂત 7 વર્ષમાં માત્ર 1 જ વાર સહાય મેળવી શકશે અને ખરીદેલું સાધન ભારત સરકારની માન્ય સંસ્થા દ્વારા ટેસ્ટ થયેલું તથા i-Khedut પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે. આ વાહનનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશોના પરિવહન માટે જ કરવાનો રહેશે અને ખરીદ્યા પછી આગામી 2 વર્ષ સુધી ખેડૂત તેનું વેચાણ કરી શકશે નહીં. આ ઉપરાંત, મુસાફરોની હેરફેર કરવા માટે વાહનમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન કરી શકાશે નહીં. ખેડૂત સંગઠનોમાં ખુશી અને સરકારનો આભાર ગુજરાત સરકારના આ સરાહનીય નિર્ણયને કારણે રાજ્યના ખેડૂતો અને વિવિધ ખેડૂત સંગઠનોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો દિલથી આભાર માન્યો છે. આ યોજનાથી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના નાના ખેડૂતો આર્થિક રીતે વધુ મજબૂત બનશે, તેમનો પરિવહન ખર્ચ ઘટશે અને તેમનો પાક સમયસર બજારમાં પહોંચતા તેમને યોગ્ય વળતર મળી રહેશે