મુખ્ય સામગ્રી પર જાઓ
પશુને વારંવાર ખંજવાળ આવે છે? ખરજવાના લક્ષણો ઓળખો, જાણો ઘરેલુ ઉપાય અને બચાવની રીત!
Tv9gujarati

પશુને વારંવાર ખંજવાળ આવે છે? ખરજવાના લક્ષણો ઓળખો, જાણો ઘરેલુ ઉપાય અને બચાવની રીત!

ખરજવું પશુઓમાં જોવા મળતો સામાન્ય ચામડીનો રોગ હોય છે. તેમાં પશુને સતત ખંજવાળ આવે છે. શરીર પર વાળ ખરવા લાગે છે. ચામડી લાલ થઈ જાય છે. ક્યારેક ઘા પણ પડી જાય છે. સમયસર સારવાર ન મળે તો સમસ્યા ગંભીર પણ બની શકે છે. ખરજવું થવાના મુખ્ય કારણો : ખરજવું મુખ્યત્વે જીવાત, બેક્ટેરિયા, ચેપ, ગંદકી અને યોગ્ય પોષણના અભાવને કારણે થઈ શકે છે. કેટલાક કિસ્સામાં એલર્જી અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે પણ આ સમસ્યા ઉભી થાય છે. ખરજવાના લક્ષણો : જો પશુના શરીર પરથી વારંવાર વાળ ખરી જાય, ચામડી પર લલાશ અથવા નાના ઘા દેખાય તો તે ખરજવાના સંકેત હોઈ શકે છે. કેટલાક પશુઓમાં ચામડી જાડી પણ થઈ શકે છે. ઘરેલુ સંભાળ કેવી રીતે રાખવી : પશુને સ્વચ્છ સ્થળે રાખવું જોઈઅ. રહેવાની જગ્યાની નિયમિત સફાઈ કરવી જોઈએ. પશુના શરીરને સાફ પાણીથી ધોવું જોઈએ. ખોરાકમાં પૌષ્ટિક આહાર, લીલો ચારો અને પૂરતું સ્વચ્છ પાણી આપવું જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની રહે. શું કરવું અને શું ન કરવું : ખરજવાથી પીડિત પશુને અન્ય પશુઓથી થોડા સમય માટે અલગ રાખવું જોઈએ. જેથી ચેપ ન ફેલાય. કોઈપણ કેમિકલ, કેરોસીન અથવા અજાણી દવા ચામડી પર લગાવવી નહીં. કારણ કે તેનાથી ઘા વધી શકે છે. ક્યારે પશુચિકિત્સકનો સંપર્ક કરવો : જો ખંજવાળ ખૂબ વધી જાય, ચામડીમાંથી લોહી નીકળે, પશુ ખાવાનું બંધ કરી દે અથવા ઘરેલુ સંભાળ છતાં 2થી 3 દિવસમાં સુધારો ન દેખાય તો તરત જ પશુચિકિત્સકનો સંપર્ક કરવો. યોગ્ય દવા અને સારવારથી રોગ નિયંત્રણમાં આવી શકે છે. બચાવ જ શ્રેષ્ઠ ઉપાય : પશુઓને નિયમિત સ્વચ્છ રાખો, સમયસર રસીકરણ કરાવો. રહેવાની જગ્યાને જીવાતમુક્ત રાખો. સંતુલિત આહાર આપો. નિયમિત નિરીક્ષણ કરવાથી ચામડીના રોગોને શરૂઆતમાં જ ઓળખી સારવાર કરી શકાય છે. જેથી પશુ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. આવા કેસમાં તાત્કાલિક પશુચિકિત્સકની સલાહ લેવી અત્યંત જરૂરી છે.