મુખ્ય સામગ્રી પર જાઓ
BBC

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે, કયા જિલ્લામાં રેડ ઍલર્ટ અપાયું?

ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને રાજ્યમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ પરિસ્થિતિ વિકટ બની છે. રાજ્યમાં સતત પડતાં વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર પણ સંતર્ક બની છે અને રાહત અને બચાવકાર્ય પણ પૂરજોશમાં શરૂ કરી દીધું છે. તો ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ સામાન્ય તો, કેટલીક જગ્યાએથી ભારેથી અતિભારે વરસાદ પડે તેવું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જગ્યાએ વરસાદનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. ગુજરાતમાં વરસાદનું જોર હજુ કેટલું રહેશે? 25 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ ઍલર્ટ અપાયું છે. એટલે કે અતિભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, સરેરાશ દરિયાઈ સપાટી પર મૉન્સૂન ટ્રફ હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશ પરના લો-પ્રેશર વિસ્તારનાં કેન્દ્ર એવાં ગુના, સિદ્ધિ, ડાલ્ટનગંજ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડી તરફ પસાર થાય છે. દરિયાઈની સરેરાશ સપારી પર એક ઑફશોર ટર્ફ બનેલો છે, જે ગુજરાતથી કર્ણાટક કિનારા સુધી ફેલાયેલો છે. આ વરસાદી ગતિવિધિઓને કારણે આગામી ચાર-પાંચ દિવસ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશું તેવું અનુમાન છે.

મૂળ સ્રોત: BBC